માનવ અધિકાર કાયદા અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા માનવ અધિકાર કાયદા અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન  દ્વારા વિભાગની Extension Activity તેમજ સમાજમાં માનવ અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી તા. ૨૮/૦૭/૨૦૨૫ના રોજ સંસ્કૃત ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એલએલ.એમ. અભ્યાસક્રમના ભાગરૂપે માનવ અધિકાર કાયદા અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત ભવનના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને "માનવ અધિકાર કાયદા" વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માનવ અધિકારોની સંકલ્પના, ભારતીય બંધારણમાં માનવ અધિકારોનું સ્થાન, માનવ ગૌરવ, મૂળભૂત અધિકારો, નાગરિકોની ફરજો તેમજ માનવ અધિકારોના સંરક્ષણ માટે કાર્યરત વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય સંસ્થાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, દૈનિક જીવનમાં માનવ અધિકારોના મહત્વ અને સમાજમાં તેના અસરકારક અમલીકરણ અંગે પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સંસ્કૃત ભવનના વડા પ્રો. આર. એન. કાથડ તથા માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માનવ અધિકારો પ્રત્યે સંવેદનશીલ બની સમાજમાં જાગૃતિ ફેલાવવામાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં સંસ્કૃત ભવનના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માનવ અધિકારો સંબંધિત વિવિધ પ્રશ્નો તથા વિચારો રજૂ કરીને કાર્યક્રમને વધુ જ્ઞાનવર્ધક બનાવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે એલએલ.એમ.ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન, સંકલન અને વ્યવસ્થાપનમાં નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા સમાજમાં માનવ અધિકારો અંગે જાગૃતિ વધારવા, બંધારણીય મૂલ્યોનું સંવર્ધન કરવા તથા વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી સમયાંતરે આવા વિસ્તરણલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

28-07-2025